Our Founders

કોલેજના આધ્યસ્થાપક

   

ભાદરણની સંસ્થાઓના પ્રાણ-ચરોતરના સપૂત સ્વ.શ્રી શિવાભાઈ આશાભાઈ પટેલ –એક પરિચય 

     ચરોતરનું પેરિસ ગણાતું ભાદરણ પ્રારંભથીજ પાટીદારોના પ્રારબ્ધ અને પુરુષાર્થોની મહેનતકશ ગાથાઓથી ભરેલું છે.સંતોની ભૂમિ ભાદરણે અનેક સેવાના ભેખધારી મહાત્માઓ,સમાજસેવીઓ, કેળવણીકારો,ઉદ્યોગપતિઓ અને નગરશ્રેષ્ઠી દાતાઓ સમાજને ચરણે ભેટ ધર્યા છે.એમાંનું રાજકારણીઓ અને સમાજકારણીઓમાં મૂઠી ઉચેરું નામ એટલે સદ્દગત શ્રી શિવાભાઈ આશાભાઈ પટેલ.સદ્દગત શ્રી શિવાભાઈ એટલે પૂરા કદનુ શરીર અને મજબૂત બાંધો ધરાવતા,શરીર પર શ્વેત ખાદીધારી વસ્ત્રો,માથે ગાંધી ટોપી,તન અને મનથી  સત્ય આચરણનું બળ,આત્મમાં શિવતત્વનો સમન્વય,આંખોમાં ઊંડી સૂઝ-બૂઝ સાથે અનેક વિશાળ સ્વપ્નો એક ઉર્જાવાન પ્રાણ –ચરિત્ર-પ્રકૃતિનો સુમેળ જાણે  કે સત્યમ  -શિવમ – સુન્દરમ.

       સદ્દગત શ્રી શિવાભાઈનો જન્મ મોસાળ ધર્મજમાં તારીખ ૦૭-૦૭-૧૮૯૯ના રોજ મામાના ઘરે થયો હતો.કેસરબા અને આશાભાઈનો આ પુત્ર રત્નથી, તેમની સાત પેઢીઓ સુધી સુંગધ પ્રસરાવે તેવી મહેક તેમનાં જીવનકાર્યોથી હતી.આજે પણ પ્રત્યેક ભાદરણવાસીઓનાં મન અને હ્રદય પર શિવાભાઈ રાજ કરી રહ્યાં છે.

    શ્રી શિવાભાઈના માતૃશ્રી કેસરબા સ્વભાવે શાંત,સૌમ્ય,પરગજૂ અને ધર્મપરાયણ હતાં,આથી બાળપણથીજ તેમનામાં સંસ્કારોનું સિંચન થવા લાગ્યું હતુ.પિતાશ્રી આશાભાઈ ગોવિંદભાઈ પટેલે પોતાની શિક્ષક તરીકેની નોકરી છોડીને પોલીસ ખાતામાં જોડાઈ ગયા બાદ મહેસાણા જીલ્લામાં નોકરી સંદર્ભે સ્થાયી થયા.આમ શિવાભાઈનું પ્રાથમિક શિક્ષણ મહેસાણા જીલ્લાના ગામોમાં થયું .પછીથી ધર્મજ-ભાદરણમાં રહીને પ્રાથમિક શિક્ષણ પુરૂ કર્યું.મુંબઇની “ન્યુ હાઇસ્કુલ”માંથી સન ૧૯૧૮માં મેટ્રીક પાસ થયા.ઉચ્ચ શિક્ષણ માટે પ્રથમ “સેંટ ઝેવિયર્સ” અને બાદમાં “સિડન હામ” કોલેજમાં જોડાયા,પરંતુ અભ્યાસ અને કારકિર્દી કરતાં પણ આઝાદીની લડત અને ગાંધીજીના વિચારો દિલોદિમાગ પર વધુ હાવી થતાં અભ્યાસને પડતો મૂકી સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં જોડાઈ ગયા.

     સન ૧૯૨૦-૨૧માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ત્યારથી જ રાજકીય પ્રવૃતિઓનો આરંભ થઇ ચૂક્યો હતો. આ ચળવળ પોતાનાં પૂરતી સિમીત ન રાખતા પત્ની અને પિતાશ્રીને પણ સાથે જોડી દીધા. સન ૧૯૨૧માં બોરસદ તાલુકા વિસ્તારની લડતનું સૂકાન સંભાળ્યું હતું તેમજ સત્યાગ્રહ છાવણીની પણ સ્થાપના કરી હતી. આ સમય દરમ્યાન શ્રી શિવાભાઈ એક સ્વાતંત્ર્ય ચળવળકાર સાથે એક મજબૂત અને નીડર નેતા તરીકે પણ ઊભરી આવ્યા. તેમની લડત અને સેવાઓનો વિસ્તાર માત્ર ચરોતર પૂરતી મર્યાદિત ન રાખતા,નાગપૂર મૂકામે સત્યાગ્રહમાં પણ જોડાયા હતા.નાગપૂર ખાતેની લડત દરમ્યાન ઘરપકડ વ્હોરીને જેલવાસ પણ ભોગવ્યો.સેવાભાવ,સમર્પણ,ત્યાગ,નીડરતા,કૂશળ વહીવટકર્તા અને શુદ્ધ રાજનીતિને કારણે  તેમની લડત અને કાર્યોની વિશેષ નોંધ લેવાતી હતી.આથી જ જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ આવીને રાજ્યના પ્રતિનિધિ બન્યા હતા. આ રીતે તેઓશ્રી આ વિસ્તારનાં પ્રથમ ધારાસભ્ય બનવાનું બહુમાન મેળવી શક્યા હતા.પોતાની આ ટર્મ દરમ્યાન આગવી સૂઝ-બૂઝ અને પ્રજાલક્ષી કામગીરીને લીધે લોકપ્રિય નેતા બની શક્યા હતા.ગુજરાત રાજ્યના ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનારશ્રી માધવસિંહજી સોલંકીની રાજકીય કારકિર્દીને શરૂઆતના ગાળામાં વેગ આપવાનું શ્રેય પણ શ્રી શિવાભાઈને ફાળે જાય છે.

      ભાદરણ ગામની સ્વતંત્રતા ચળવળની બાબત હોય,સહકારી પ્રવૃતિઓની વિકાસગાથા હોય, જાહેરજીવનની વાત આવે કે રાજકીય હિસ્સેદારીની બાબત હોય તેમાં શ્રી શિવાભાઈની નોંધ લીધા વગર ભાદરણનો ઈતિહાસ ફિક્કો અને અધૂરો જ રહે.શ્રી શિવાભાઈ ભાદરણ ગામના સરપંચપદે ઘણા વર્ષો સુધી રહ્યાં અને ગામની પ્રાથમિક સુવિધાઓ માટે સતત ચિંતિત અને સક્રિય રહી યોગદાન આપતા રહ્યાં સહકારની પ્રવૃતિઓ તો તેમના રગે રગમાં વહેતી હતી.

          સન૧૯૨૨-૨૩ના સમયગાળામાં ખાદીપ્રચાર મંડળ અને વ્યાયામ મંદિર જેવી સંસ્થાઓ શરૂ કરી હતી. ખાદીપ્રચાર મંડળતો હમણાં સુધી ચાલુ રહ્યું હતું.જયારે વ્યાયામમંદિર નવા રૂપ રંગ સાથે આજે પણ ચાલુ છે.શ્રી પ્રગતિ મંડળ,ભાદરણનાં વટવૃક્ષ હેઠળ આજે દસ જેટલી સંસ્થાઓ કાર્યરત છે,જેની સ્થાપના સન ૧૯૨૮માં થઇ હતી.એ વખતે તેઓશ્રીના અથાગ પ્રયત્ન અને અવિરત પરિશ્રમથી  શ્રી પ્રગતિ મંડળ અને ગામની અન્ય સંસ્થાઓમાં સતત કાર્યરત રહ્યાં.શ્રી પ્રગતિ મંડળનાં સ્થાપક સભ્ય  અને પ્રમુખ તરીકે સદ્દગત શ્રી શિવાભાઈએ આપેલી યાદગાર સેવાઓ માટે ગામ અને આસપાસના વિસ્તારનાં લોકો તેમના પ્રત્યે કૃતજ્ઞ રહેશે. આજે પણ શ્રી શિવાભાઈના પુણ્યબળનાં લીધે આ સંસ્થાઓમાં નિષ્ઠાવાન સંચાલકો અને કર્મચારીઓ પ્રાપ્ત થતા રહ્યાં છે. બાલમંદિરથી શરૂ કરી કોલેજ સુધીની સંસ્થાઓ એક વડીલ તરીકે તેઓની નિશ્રામાં વિકસતી અને વિસ્તરતી રહી.પગારની અનિશ્ચિતતા વચ્ચે ઘણો બધો સમય કર્મચારીઓના પગાર લાંબા સમય સુધી ન થતો,તેવા સમયે શ્રી શિવાભાઈએ પોતાની પત્નીના ઘરેણાં બજારમાં મૂકી કર્મચારીઓના પગાર કરી સાચા અર્થમાં મંડળનાં “જનક” તરીકે પૂરવાર થયા.એક નાનકડા ગામમાં આટલી ઘણી અને મોટી સંસ્થાઓને શરૂ કરવાનુ,વિસ્તાર કરવાની અને કપરા સંજોગોમાં ટકાવીને જતન કરવાનું શ્રેય સદ્દગત શ્રી શિવાભાઈને ફાળે જ જાય છે.

    આજે ભાદરણ અને કાંઠાગાળાના ગામડાંઓના અસંખ્ય લોકો આ સંસ્થાઓનો લાભ લઇ ચૂક્યા છે અને હજૂ સુધી લઇ રહ્યાં છે , તે સર્વે સદ્દગતશ્રી શિવાભાઈનાં સદૈવ ઋણી રહેશે.

    

Content for Founder 2

      

સ્વ.શ્રી ચુનીભાઈ ફુલાભાઈ પટેલ

(ભાદરણના ભામાશા)

       અહનિઁશ કલ્યાણની ભાવના નિર્મળતા,પ્રવિત્રતા અને સૌજન્યતાની મૂર્તિ એટલે જ ચુનીકાકા. ભાદરણમાં ચોથી ચોપડીના અભ્યાસ વખતે જ ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહની લડતમાં દેશભક્તિ અને દેશમુક્તિની ઝંખના અર્થે ઝંપલાવ્યું.અભ્યાસ વિમુખ થતાં શું કરવું ની વિમાસણમાં મુકાયા.છેવટે ઘી તમાકુના બાપીકા ધંધામાં ઝંપલાવ્યું.વ્યાપારિક કોઠાસૂઝ ખંત, ધીરજ અને શ્રધ્ધાના બળે ધંધાને સોળે કળાએ ખીલાવ્યું. તમાકુના નભોમંડળના સ્વામી તરીકે ઓળખાયા લક્ષ્મીપતિ હોવા છતાં નિરઅહંકારી,ગુપ્ત્દાનમાં માનતા,ભાંગ્યાના ભેરુ હતા. એમની દાન  ગંગાનો અખૂટ પ્રવાહ હજુ પણ તેમના વારસો વહાવી રહયા છે. માત્ર ગુજરાતના જ નહિ પણ બહારના રાજ્યો પણ વેપારનો વ્યાપ ફેલાયેલો છે.શ્રી ફુલાભાઈ ગોવિંદભાઈ પટેલ એન્ડ કુાં. ની ઉદાર સખાવત મળતાં પ્રગતિમંડળ ભાદરણના આશ્રયે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ૧૯૬૪માં શરૂ કરવામાં આવી. શ્રી પ્રગતિમંડળની સ્થિતિ જયારે પણ હાલકડોલક થઈ છે.ત્યારે મંડળના ભામાશા થઈને ઉભા રહયા છે.ભાદરણના ગૌરવગાથાની યશક્લગીનું એક મોરપિચ્છ એટલે ચુનીકાકા.

Content for Founder 3